John 8

1ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા. 2વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો. 3ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને મધ્યભાગમાં ઊભી રાખીને,

4ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’ 6તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.

7તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’ 8ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.

9જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં. 10ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘બહેન, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’ 11તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.]]’

12ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું જગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’ 13ફરોશીઓએ તેમને કહ્યું, ‘તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સત્ય નથી.’

14ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું. 15તમે દેહ પ્રમાણે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી. 16વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાય સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે [તે બન્ને એક છીએ].

17તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, ‘બે માણસની સાક્ષી સાચી છે. 18હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.’

19તેઓએ તેમને કહ્યું કે, ‘તારો પિતા ક્યાં છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.’ 20ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.

21તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’ 22યહૂદીઓએ કહ્યું કે, ‘શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’

23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી. 24માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે હું તે છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.’

25માટે તેઓએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.’ 26મારે તમારે વિષે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તે સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું જગતને કહું છું.’ 27તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.

28ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું. 29જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’ 30ઈસુ તે કહેતા હતા, ત્યારે ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.

31તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો; 32અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’ 33તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘અમે ઇબ્રાહિમના વંશજો છીએ અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?’

34ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે, 35હવે જે દાસ છે તે હમેશાં ઘરમાં રહેતો નથી, પણ દીકરો હમેશાં રહે છે. 36માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.

37તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. 38મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.’

39તેઓએ ઉત્તર આપ્યો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે.’ ઈસુ તેઓને કહે છે કે, ‘જો તમે ઇબ્રાહિમના સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામો કરો. 40પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિષ કરો છો; ઇબ્રાહિમે એવું કર્યું નહોતું. 41તમે તમારા પિતાનાં કામ કરો છો.’ તેઓએ તેમને કહ્યું, ‘અમે વ્યભિચારથી જનમ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.’

42ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. 43મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. 44તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

45પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. 46તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી? 47જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં વચન સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતા નથી.’

48યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘તું સમરૂની છે અને તને અશુદ્ધ આત્મા વળગેલો છે, તે અમારું કહેવું શું વાજબી નથી?’ 49ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મને અશુદ્ધ આત્મા વળગેલો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.

50પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે. 51હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મારું વચન પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.

52યહૂદીઓએ તેમને કહ્યું, ‘તમને અશુદ્ધ આત્મા વળગેલો છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તમે કહો છો કે, જો કોઈ મારાં વચન પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. 53શું તમે અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટા છો? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તમે કોણ હોવાનો દાવો કરો છો?’

54ઈસુએ ઉત્તર આપ્યો કે, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને માન આપનાર તો મારા પિતા છે, જેમના વિષે તમે કહો છો કે, ‘તે અમારા ઈશ્વર છે.’ 55વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું; પણ હું તેમને ઓળખું છું અને તેમનું વચન પાળું છું. 56તમારો પિતા ઇબ્રાહિમ મારો દિવસ જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો.”

57ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘હજી તો તમે પચાસ વર્ષના થયા નથી અને શું તમે ઇબ્રાહિમને જોયો છે?’ 58ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.’ ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.

59

Copyright information for GujULB